કોવલમ એ એક સાથે ત્રણ અર્ધચંદ્રાકાર સમુદ્રના તટવાળો એક આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત બીચ છે. પ્રવાસીઓની ખાસ કરીને યુરોપિયનોની, 1930 થી તે પ્રિય જગ્યા છે. બીચ પર વિશાળ ખડકની ભૂશિરે શાંત જળની સુંદર ખાડીનું નિર્માણ કર્યું છે, જે સમુદ્ર સ્નાન માટે આદર્શ છે.
આ બીચ ખાતે મનોરંજનનાં વિકલ્પો ઘણા અને વૈવિધ્યભર્યા છે. સૂર્યસ્નાન, વનસ્પતિથી શરીર મસાજ, ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેટમરન (બે સઢવાળી હોડી) ક્રુઝિંગ તે પૈકીના કેટલાંક છે. ઊષ્ણકટિબંધનો સૂર્ય એટલો તપે છે કે તમે થોડીક મિનિટોમાં ત્વચા પર તાંબાવર્ણી રંગની ઝાંખી લાલાશ જોઈ શકો છો. દિવસે બીચ પર જીવન મોડેથી શરૂ થાય છે અને છેક રાત સુધી ચાલે છે. બીચ સંકુલમાં બજેટ કોટેજીસની હાર, આર્યુવેદિક આરોગ્ય રિસોર્ટ, કન્વેન્શન સુવિધાઓ, શોપિંગ ઝોન, સ્વિમિંગ પૂલ, યોગ અને આર્યુવેદિક મસાજ કેન્દ્રોનો સમાવેશ થાય છે.
કેરલાના પાટનગરનું શહેર તિરુવનંતપુરમ કોવલમથી માત્ર 16 કિમી છે, અને ત્યાં પહોંચવામાં કોઈ મૂશ્કેલી નથી. પરંતુ તમે રજા પર હોય તો તમે કોવલમમાં રહો અને શહેરની મુલાકાત લો તે વધુ સારું છે.
તિરુવનંતપુરમ શહેરમાં જોવા લાયક રસપ્રદ સ્થળો નેપિયર મ્યુઝિયમ, શ્રી ચિત્રા આર્ટ ગેલેરી, પદ્માનાભસ્વામી મંદિર, પોન્મુડી ગિરિમથક, વગેરે છે. SMSM સંસ્થા, રાજ્યની માલિકીનું હસ્તોદ્યોગ એમ્પોરિયમ, વંશીય કારીગરીની વસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓ લેવા માટે આદર્શ સ્થળ છે.
મુલાકાત માટેનો ઉત્તમ સમય : સપ્ટેમ્બરથી માર્ચ, જો કે તે વર્ષ ભર આવી શકાય તેવું સ્થળ છે.
સ્થળ : તિરુવનંતપુરમ શહેરથી માત્ર 16 કિમી દૂર છે, દક્ષિણ કેરલા.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : તિરુવનંતપુરમ સેન્ટ્રલ, લગભગ 16 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈ મથક : તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, લગભગ 10 કિમી દૂર છે.